1. મનોવિજ્ઞાનનો અર્થ અને સંકલ્પના (Meaning and Concept of Psychology)

 મનોવિજ્ઞાનનો અર્થ અને સંકલ્પના

       (Meaning and Concept of Psychology)      

                                                                                                                                                         મનોવિજ્ઞાનને અંગ્રેજીમાં સાયકોલોજી (Psychology) કહેવામાં આવે છે. આ શબ્દ સાયકો (Psycho) અને લોગોસ (Logos) નો બનેલો છે. સાયકો એટલે આત્મા અને લોગો' એટલે શાસ્ત્ર. આમ પહેલાંના વખતમાં મનોવિજ્ઞાન એટલે આત્માનું વિજ્ઞાન એવો અર્થ કરવામાં આવતો હતો. પહેલાંના તત્ત્વચિંતકો આત્માના સ્વરૂપને ચિંતન દ્વારા જાણવાનો પ્રયાસ કરતા. પરંતુ સમયના પ્રવાહ સાથે માનવજીવનના પ્રવાહો અને દષ્ટિકોણો બદલાતાં મનોવિજ્ઞાનના તાત્ત્વિક અર્થમાં પણ પરિવર્તનો થયાં. મનોવિજ્ઞાનની પરિભાષામાં કાળક્રમે થયેલાં પરિવર્તનો કેવી રીતે થયાં તે જોઈશું.



[1]                   મનોવિજ્ઞાન આત્માનું વિજ્ઞાન છે :       પ્રાચીન સર્મયમાં મનોવિજ્ઞાનને ધ્વનિશાસ્ત્રની એક શાખા તરીકે માનવામાં આવતું. મનોવિજ્ઞાનમાં મન અને માનસિક પ્રક્રિયાઓનું અધ્યયન કરવાનું હોવાથી તે ધ્વનિશાસ્ત્રનું અવિચ્છિન્ન અંગ મનાતું. ઇ.સ. ની સોળમી સદી સુધી મનોવિજ્ઞાન એ આત્માના વિજ્ઞાન (science of soul) તરીકે ઓળખાતું. આત્માના સ્વરૂપ અને અર્થ વિશે વિદ્વાનોમાં અનેક મતભેદો પ્રવર્તે છે. આત્માની પરિભાષા નિશ્ચિત નથી. આથી મનોવિજ્ઞાનની પરિભાષામાં પરિવર્તન આવ્યું.



[2]                             મનોવિજ્ઞાન મનનું વિજ્ઞાન છે : આત્માની ચોક્કસ પરિભાષા નિશ્ચિત ન થઇ શકતાં, મનોવિજ્ઞાનીઓએ માનવ મનને મહત્ત્વ આપ્યું. માનવ મન તેનાં વર્તનનું પ્રેરકબળ છે, તેમ મનોવિજ્ઞાનીઓ માનવા લાગ્યા. માનવ મનનો અભ્યાસ કરી શકાય છે, તેવું મનાવા લાગ્યું. પરંતુ મનોવિજ્ઞાનીઓ મનના સ્વરૂપ, માનસિક પ્રવૃત્તિઓ અને માનસિક પ્રક્રિયાઓ વિશે ચોકસાઇપૂર્વક કશું નિર્ધારિત કરી શક્યા નહીં. આથી મનના જટિલ સ્વરૂપ અને માનસિક પ્રવૃત્તિઓ અને માનસિક ક્રિયાઓની સંકુલતાને લીધે તેને મનનું વિજ્ઞાન માનવું એ ઉચિત ગણાયું નહિ.



[3]                         મનોવિજ્ઞાન ચેતનાનું વિજ્ઞાન છે : ઓગણીસમી સદીના મનોવિજ્ઞાનીઓના મંતવ્ય અનુસાર, મનોવિજ્ઞાન મનુષ્યની ચેતન ક્રિયાઓનું અધ્યયન કરે છે. તેઓ એમ માનતા કે, ચેતના માનવ વર્તનનું પ્રેરક પરિબળ છે. પરંતુ, ચેતનાની પરિભાષા પણ નિશ્ચિત થઈ શકી નથી. વિદ્વાનોના મત અનુસાર, ચેતન મન, અચેતન મન અને અર્ધચેતન મન પણ હોય છે, જે મનુષ્યના વર્તન પર અસર કરે છે. આથી ચેતનાનો અર્થ દ્વિધામાં પરિણમતાં મનોવિજ્ઞાનની આ પરિભાષા પણ સર્વમાન્ય થઇ શકી નહીં.



[4]                    મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે : વીસમી સદીમાં મનોવિજ્ઞાનની તલસ્પર્શી વિચારણા અને અધ્યયનને પરિણામે મનોવિજ્ઞાનની પરિભાષાને એક નૂતન પરિમાણ પ્રાપ્ત થયું. મનોવિજ્ઞાનના અભ્યાસીઓ મનોવિજ્ઞાનને વર્તનનું વિજ્ઞાન માનવા લાગ્યા. મનોવિજ્ઞાન મનુષ્યના વ્યવહારનું, તેનાં વા વર્તનનું અધ્યયન કરે છે, તેવું આધુનિક મનોવિજ્ઞાનીઓ માને છે. તેથી  મનોવિજ્ઞાનને એ વર્તનનું શાસ્ત્ર (Science of behaviour) કહેવામાં આવે છે. મનોવિજ્ઞાનની પ્રસ્તુત પરિભાષા સામાન્યતઃ સૌ શિક્ષણશાસ્ત્રીઓ અને મનોવિજ્ઞાનીઓમાં હવે સર્વસ્વીકૃત બનવા લાગી છે.



• પ્રાચીન સમયથી આધુનિક સમય સુધીની મનોવિજ્ઞાનની વિકાસયાત્રામાં વિવિધ પરિવર્તનો આવ્યાં છે. મનોવિજ્ઞાની વુડ્ઝવર્થે મનોવિજ્ઞાનનું ચિત્ર અંકિત કરતાં લખ્યું છે,

•           "First psychology lost its soul, then it lost its mind, then it lost its consciousness, and still it has behaviour of sort". - Woodsworth


         આમ, મનોવિજ્ઞાને પ્રથમ આત્મા ગુમાવ્યો, ત્યારબાદ મન અને ચેતના લુપ્ત થયાં અને છેલ્લે હવે વર્તન બાકી રહ્યું છે. મનોવિજ્ઞાન વિશે વિવિધ ચિંતકોએ પોતાની પરિભાષા અને વ્યાખ્યાઓ પ્રયોજી છે.


•   મનોવિજ્ઞાન માનવવર્તન અને અનુભવનું વિજ્ઞાન છે. 


Psychology is the science of behaviour and experience  - Skinner


•  મનોવિજ્ઞાન માનવ-વ્યવહાર અને માનવ સંબંધોનું અધ્યયન છે. Psychology is the study of human behaviour and human relationships. - Crow and Crow 


•   મનોવિજ્ઞાનનો સંબંધ પ્રત્યક્ષ માનવ વર્તન સાથે છે. 


*Psychology is concerned with observable human behaviour.                 -  Garrison and others


•   મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં વ્યક્તિની પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.


Psychology is the scientific study of the activities of individual in relation to the environment.' - Woodsworth


•   મનોવિજ્ઞાન એ એવું શુદ્ધ વિજ્ઞાન છે કે જે માનવ અને પશુના એવા વર્તનનો અભ્યાસ કરે છે કે જે વર્તન તેમના આંતરિક મનોભાવો તથા વિચારોની અભિવ્યક્તિ કરે છે, જેને આપણે માનસિક જગત કહીએ છીએ.


'Psychology is such is a pure science which studies the behaviour of men and animals, so far that behaviour is regarded as an expression of their inner life of thought and feeling which are called mental life.' - James Drever


ઉપર્યુક્ત વ્યાખ્યાઓને આધારે આપણે મનોવિજ્ઞાનનાં લક્ષણો નીચે મુજબ તારવી શકીએ.


• મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે. 


• તે વર્તનનું વિજ્ઞાન છે.


• તે પ્રાણી અને મનુષ્યના વર્તનનું વિજ્ઞાન છે.


• તે વાતાવરણના સંદર્ભમાં થતી વ્યક્તિની પ્રવૃત્તિઓનો

   વૈજ્ઞાનિક અભ્યાસ છે. 


• તે વર્તનનું વૈજ્ઞાનિક સંશોધન છે. 


• તે વર્તનનું ગુણાત્મક વિજ્ઞાન છે.


મિત્રો, આપણે જે લક્ષણો તારવ્યા તેમાં સતત પુનરાવર્તન પામતો શબ્દ જો કોઈ હોય તો તે છે વર્તન. એટલે મનોવિજ્ઞાનની સંકલ્પનાની સંપૂર્ણ સમજણ કેળવવા માટે આપણે વર્તનને પણ વ્યાખ્યાયિત કરવું, સમજવું જોઈએ.


• વર્તનનો અર્થ : (Meaning of Behaviour)

જ્યારે આપણે મનોવિજ્ઞાન એટલે વર્તનનું વિજ્ઞાન એવું કહીએ છીએ ત્યારે વર્તનનો સંકુચિત કે સીમિત અર્થ કરવાને બદલે વ્યાપક અર્થ કરવો જોઈએ. વર્તનનો વ્યાપક અર્થ સ્પષ્ટ કરવા નીચેની બાબતો ધ્યાને લેવી જોઈએ.


વૂડવર્થ (1945) અનુસાર, જીવનની કોઈ પણ અભિવ્યક્તિ એક ક્રિયા છે. આવી તમામ ક્રિયાઓને અંતતઃ વર્તન સ્વરૂપે જોઈ શકાય. એટલે વર્તન શબ્દ માત્ર ચાલવું, કૂદવું, દોડવું, તરવું વગેરે જેવી ક્રિયાત્મક ચેષ્ટાઓનું પ્રતિનિધિત્વ નથી કરતો. બલકે, જાણવું, યાદ રાખવું, વિચારવું જેવી જ્ઞાનાત્મક અને હર્ષ, શોક, ડર, પ્રેમ, ચિંતા જેવી ભાવનાત્મક બાબતોનું પણ પ્રતિનિધિત્વ કરે છે. આમ, વર્તનમાં ક્રિયાત્મક, જ્ઞાનાત્મક અને ભાવાત્મક એમ ત્રણ પ્રકારની ક્રિયાઓનો સમાવેશ થાય છે.


મનુષ્યના વ્યવહારો માત્ર ચેતન દ્વારા જ થાય છે એવું નથી. મનુષ્યના વર્તનો નીપજાવનાર કારક તરીકે અર્ધચેતન અને અચેતન પણ જવાબદાર છે. અર્થાત, વર્તન શબ્દનું ક્ષેત્ર આપણે અનુભવી શકીએ તેવા ચેતન પૂરતું સીમિત નથી. આંતરિક અનુભવો અને માનસિક પ્રક્રિયા જે અપ્રત્યક્ષ અને આંતરિક છે તેનો સમાવેશ પણ વર્તનમાં થાય છે.


મહાન મનોવૈજ્ઞાનિક સ્કીનર મુજબ, વર્તનો બે પ્રકારના હોય છે. એક આણેલાં વર્તનો અને બે આપન્ન વર્તનો. આણેલાં વર્તનોમાં એવા વર્તનોનો સમાવેશ થાય છે કે જે અજાગૃત કે અનૈચ્છિક હોય અને જેના પર આપણું નિયંત્રણ ન હોય. જેમ કે, લાળ ઝરવી, હૃદયના ધબકારા વધવા, કોઈ ગરમ પદાર્થને અડી જતાં તરત જ હાથ પાછો ખેંચવો વગેરે. જ્યારે આપન્ન વર્તનોમાં ઐચ્છિક વર્તનોનો સમાવેશ થાય છે કે જેના પર આપણું નિયંત્રણ હોય. જેમ કે, રમવું, ચાલવું, કસરત કરવી, પત્ર લખવો વગેરે.


મનોવિજ્ઞાનમાં સમગ્ર જીવસૃષ્ટિના જીવોનો અભ્યાસ થાય છે. આથી વર્તન શબ્દનું પ્રયોજન માત્ર માનવ વર્તન માટે નહીં કરતા પશુ-પંખી અને વનસ્પતિના વર્તનો માટે પણ કરવામાં આવે છે. માનવોમાં પણ તમામ પ્રકારના માનવો (સામાન્ય, અસામાન્ય, બાળકો, યુવાનો, વૃદ્ધો)ના વર્તનનો અભ્યાસ અહીં નિહિત છે.


આમ, વર્તન શબ્દ ખૂબ વ્યાપક અર્થમાં સ્વીકારવામાં આવ્યો છે. જેમાં તમામ જીવોની તમામ પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.



•મનોવિજ્ઞાનનું સ્વરૂપ : (Nature of Psychology)

મનોવિજ્ઞાનના ખ્યાલનો વિકાસ થતા થતા તેને વર્તનનું વિજ્ઞાન સ્વીકારી લેવામાં આવ્યું છે. એટલે આમ જોઈએ તો મનોવિજ્ઞાનનું સ્વરૂપ વિજ્ઞાનમય છે. એટલે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે માન્યતા કયા કારણો/આધા૨ોથી મળી તે જોઈએ તો આપો-આપ તેના સ્વરૂપ વિશે ખ્યાલ આવી જશે.


મનોવિજ્ઞાનમાં અભ્યાસની રીત વિજ્ઞાનમાં અભ્યાસની રીત જેવી જ હોય છે, એટલે કે ક્રમિક અને આયોજનબદ્ધ.


મનોવિજ્ઞાનમાં વર્તનલક્ષી તથ્યો જાણવામાં આવે છે, જ્યારે વિજ્ઞાનમાં પણ સત્યની શોધ હોય છે.


વિજ્ઞાનમાં સિદ્ધાંતોની રચના થાય છે તેમ મનોવિજ્ઞાનમાં પણ સિદ્ધાંતોની રચના અને આલોચના થાય છે.


મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓમાં અવલોકન, નિરીક્ષણ, પરીક્ષણ અને પ્રયોગનો સમાવેશ થાય છે.


વિજ્ઞાનમાં સૈદ્ધાંતિક અને પ્રાયોગિક એમ બે પ્રકારે જ્ઞાન હોય છે તથા તેના જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ થતો હોય છે. તેવી જ રીતે મનોવિજ્ઞાનમાં પણ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન હોય છે અને તેનો પણ વ્યવહારમાં વિનિયોગ થતો હોય છે.







6. સેગ્યુઇન ફોર્મ બોર્ડ ટેસ્ટ (ઝડપ અને ચોકસાઈ માપન)

                     સેગ્યુઇન ફોર્મ બોર્ડ ટેસ્ટ ઇન્ટેલિજન્સની સિંગલ ફેક્ટર થિયરી પર આધારિત છે. જે ઝડપ અને સચોટતાનું માપન કરે છે. તે બાળકનાં (3 થી 15 વર્ષ)ના આંખ - હાથના સંકલન, આકાર-વિભાવના, વિઝ્યુઅલ ધારણા અને જ્ઞાનાત્મક ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં ઉપયોગી છે.     


                   પરીક્ષણનો ઉપયોગ મુખ્યત્વે વિઝ્યુઓ-મોટર કૌશલ્યોનું મૂલ્યાંકન કરવા માટે થાય છે. તેમાં ગેસેલ આકૃતિઓનો સમાવેશ થાય છે. જેમાં બાળકને વિઝ્યુઓ-મોટર ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે દસ ભૌમિતિક આકૃતિઓની નકલ કરવાનું કહેવામાં આવે છે. ટેસ્ટ મટિરિયલમાં દસ અલગ-અલગ આકારના લાકડાના બ્લોક્સ અને રિસેસ્ડ અનુરૂપ આકારો સાથે મોટા ફોર્મ બોર્ડનો સમાવેશ થાય છે.




5. આલ્બર્ટ બાંડુરા નો બોબો ડોલનો પ્રયોગ

                   આલ્બર્ટ બાંડુરા નો બોબો ડોલનો પ્રયોગ મનોવિજ્ઞાનમાં ખૂબ જાણીતો છે.તેમણે આ પ્રયોગ 1961થી 1963ની વચ્ચે કર્યો હતો. આ પ્રયોગ કરવા માટે તેઓએ એક ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં તેમણે દર્શાવ્યું હતું કે એક મહિલા એક ઢીંગલીને જોર જોરથી મારે છે અને આક્રમક શબ્દોનો ઉપયોગ કરીને બરાડા પાડે છે.આ ફિલ્મ બાળકોના એક જૂથને દર્શાવવામાં આવે છે. આમાં દર્શાવવામાં આવેલ ઢીંગલીનું નામ બોબો ડોલ છે. 

                  ત્યારબાદ બાળકોને એવા ઓરડામાં મૂકવામાં આવે છે જેમાં પહેલાથી જ બોબડોલ મૂકવામાં આવેલ હોય છે. બાળકો ઓરડામાં જતા જ ફિલ્મમાં મહિલાએ ઉચારેલા આક્રમક શબ્દનો ઉપયોગ કરીને બોબોડોલ ને મારવા લાગે છે. આ પ્રયોગ દ્વારા બાંડુરા સાબિત કરે છે કે બાળકોનું વર્તન દર વખતે તેમના વર્તનના બદલામાં મળતા પ્રબલન(reinforcement) પર જ આધારિત હોતું નથી. આ પ્રયોગમાં ફિલ્મમાં મહિલાને કે હકીકતમાં બાળકોને કોઈ પ્રબલન પૂરું પાડવામાં આવતું નથી તેમ છતાં બાળકો મહિલાના વર્તનનું પુનરાવર્તન કરે છે. બાળકોનું આ વર્તન પ્રબલનને કારણે નહીં પરંતુ અવલોકન(Observation)ને કારણે હોય છે.બાંડુરા આ પ્રકારના અધ્યયનને અવલોકનાત્મક અધ્યયન અથવા સામાજિક અધ્યયન કે જેને સોશિયલ લર્નિંગ તરીકે ઓળખાવે છે.




4. વ્યક્તિત્વ માપનની કસોટી (શાહીના ડાઘા ની કસોટી)

         વ્યક્તિત્વ ની વ્યાખ્યા જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જુદી જુદી રીતે આપી છે. પરંતુ જી. ડબ્લ્યુ ઓલપોર્ટે સર્વ સામાન્ય વ્યાખ્યા આપેલી છે કે ' દરેક વ્યક્તિ પોતાની પરિસ્થિતિ સાથે આગવી રીતે સમાયોજન સાધી શકે તેવા મનોશારીરિક તંત્રનું ગતિશીલ સંગઠન એટલે વ્યક્તિત્વ.'

           

       વ્યક્તિત્વ માપનની કસોટીમાં પ્રક્ષેપણ કસોટી(Projection test) ઘણી જાણીતી થયેલી છે. એમાંની સૌથી જાણીતી થયેલી પ્રક્ષેપણ કસોટી રોરશાર્કની શાહીના ડાઘા ની કસોટી એના વિશે આજે આપણે માહિતી મેળવીએ. સર્વ પ્રથમ બીનેટે 1895 માં પ્રક્ષેપણ પદ્ધતિ માટે શાહીના ડાઘા નો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું. હાવર્ડ યુનિવર્સિટીમાં ડિયર બોર્નએ(Dear born) 1897 માં સૌપ્રથમ શાહીના ડાઘા વાળી કસોટી નો ઉપયોગ કર્યો હતો. આમ મનોવિજ્ઞાનમાં પ્રક્ષેપણ પદ્ધતિનો ઉપયોગ એ ખૂબ જ લાંબો ઇતિહાસ ધરાવે છે.

                

  ત્યારબાદ સ્વીસ મનોવૈજ્ઞાનિક હર્મન રોરશાર્ક એ શાહીના ડાઘા વાળી કસોટીનો વિકાસ કર્યો. તે એક ચિત્ર શિક્ષકના પુત્ર હતા. આ કસોટીમાં કુલ 10 કાર્ડનો સંગ્રહ છે. દરેક કાર્ડ પર શાહીના ડાઘા છે. તેમાંથી પાંચ કાર્ડ શ્વેત-શ્યામ અને પાંચ રંગીન શાહી વાળા ડાઘા છે. કાર્ડ પર શાહીના ડાઘા એ રીતે પડેલા છે કે જેમાંથી ચોક્કસ આકારવાળી આકૃતિઓ ઉપસી આવે છે.આ આકૃતિઓનું કોઈ ચોક્કસ રીતે અર્થઘટન થઈ શકતું નથી.

    

                આ કસોટીનું સંચાલન ચોક્કસ ક્રમમાં કરવામાં આવે છે. એમાં સૌપ્રથમ નિયત ક્રમમાં એક સમયે એક જ કાર્ડ વ્યક્તિ સમક્ષ રજૂ કરવામાં આવે છે. જ્યારે અભ્યાસપાત્રને કાર્ડ આપવામાં આવે છે ત્યારે અભ્યાસક તેને જરૂરી સૂચનાઓ આપીને કાર્ડના ચિત્રનું અર્થઘટન કરવાનું કહે છે. અભ્યાસપાત્રને કાર્ડમાં શું દેખાય છે? કઈ આકૃતિ દેખાય છે? આકૃતિ શાની છે ? વગેરે બાબતો જણાવવાનું કહેવામાં આવે છે. 


               ત્યારબાદ અભ્યાસપાત્રને વિચારવા માટે પૂરતો સમય ફાળવવામાં આવે છે. તે ઈચ્છે ત્યાં સુધી કાર્ડમાંની આકૃતિનું નિરીક્ષણ કરી શકે છે. અભ્યાસપાત્રને કાર્ડ ગમે તે ખૂણેથી જોવાની છૂટ આપવામાં આવે છે. તે કાર્ડને આડુ અવળું કરીને કે ત્રાસુ કરીને એમ ગમે તે રીતે જોઈ શકે છે. એક કાર્ડના આધારે અભ્યાસપાત્રને ગમે તેટલા અર્થઘટન કરવાની છૂટ હોય છે. ત્યારબાદ અભ્યાસક કેટલીક મહત્વની બાબતો ધ્યાનમાં રાખે છે. એમાં ખાસ કરીને પ્રતિચારોની સંખ્યા, દરેક પ્રતિચાર આપવા માટે અભ્યાસ પાત્ર એ લીધેલો સમય, પ્રતિચાર આપતી વખતે કાર્ડની પરિસ્થિતિ, વ્યક્તિના સાંવેગિક પ્રતિભાવો, વ્યક્તિના અન્ય આકસ્મિક વ્યવહારો વગેરેની નોંધ લેવામાં આવે છે. ત્યારબાદ દરેક કાર્ડની રજૂઆત અને અર્થઘટન થઈ ગયા પછી કસોટીના બીજા સ્તરમાં વ્યક્તિને પૂછવામાં આવે છે કે તેને આપેલા પ્રતિચાર અંગે વધારાનું કોઈ કહેવાનું છે કે નહી જો વ્યક્તિ હા કહે તો તેની નોંધ લેવામાં આવે છે. ત્યારબાદ કસોટી નું ગુણાંકન અને માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે. જેમાં એ પ્રતિક્રિયા શેના આધારે આપે છે. આખું કાર્ડ જોઈને આપે છે અથવા કાર્ડમાંના અમુક ચોક્કસ ભાગ જોઈને આપે છે, તો એ પ્રમાણે એના પ્રતિચારોની નોંધ કરવાની હોય છે. 

                 ત્યારબાદ વિષયવસ્તુ જે છે એનો પણ એમાં ઉલ્લેખ કરવામાં આવે છે જો વ્યક્તિ શાહીના ડાઘા માં કોઈ માનવ આકૃતિ જોએ તો એની નોંધ કરવામાં આવે છે અથવા માનવ આકૃતિનું વર્ણન કરે તો એની પણ નોંધ કરવામાં આવે છે અથવા કોઈ પ્રાણીનું વર્ણન કરે તો એની પણ અંદર નોંધ કરવામાં આવે છે.

                 આ ઉપરાંત નદી, તળાવ, પર્વતો, ખેતર, વૃક્ષો વગેરેનું વર્ણન કરે તેને ચોક્કસ સંજ્ઞા આપવામાં આવે છે અથવા કોઈ વસ્તુ જોવે તો એની પણ ચોક્કસ સંજ્ઞાનઓ આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ એનું અર્થઘટન કરવામાં આવતું હોય છે અને એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવે છે.જે ક્લિનિકલ સાયકોલોજીમાં નિદાન માટે ઉપયોગ કરી શકાય છે.


*રોરશાર્કની શાહીના ડાઘાની કસોટીના 10 કાર્ડ*




3. માનસિક રોગોના વર્ગીકરણ

          માનસિક રોગોના વર્ગીકરણમાં બે આંતરરાષ્ટ્રીય સંસ્થા જાણીતી છે અને એ બંને આંતરરાષ્ટ્રીય સંસ્થા જુદા જુદા પ્રકારના વર્ગીકરણ બહાર પાડે છે એમાંની એક સંસ્થા એટલે અમેરિકન સાયકેટ્રિક એસોસિએશન જે ડી.એસ.એમ. (DSM) એટલે કે ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટેસ્ટીકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર એવું બહાર પાડે છે. જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા એ આઈસીડી ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડીસીઝ નામનું વર્ગીકરણ બહાર પાડે છે. આ બંને માં માનસિક અને શારીરિક (ICD) પ્રકારના વિકારોનું વર્ણન કરવામાં આવેલું છે અને ડીએસએમના ન્યુરો ડેવલોપમેન્ટલ ડિસઓર્ડર ના વિભાગમાં કેટલાક મહત્વના ડિસોર્ડર વિશે વાત કરવામાં આવેલી છે.

    ન્યુરો ડેવલોપમેન્ટલ ડિસઓર્ડર એટલે મગજમાં રહેલા જ્ઞાનતંતુઓના વિકાસમાં કોઈ જનીનિક, જૈવિક કે રાસાયણિક ફેરફારોને લીધે આ જ્ઞાનતંતુનો વિકાસ કોઈ કારણોસર અટકી જાય અથવા એનો વિકાસ રૂંધાય અને એને લીધે વર્તન પર જે અસર પડે છે એવા પ્રકારની ખામીઓના વિકૃત વર્તનને આપણે ન્યુરો ડેવલોપમેન્ટલ ડિસઓર્ડરમાં વર્ગીકૃત કરીએ છીએ ન્યુરો ડેવલોપમેન્ટ ડિસઓર્ડર ખાસ કરીને બાળકોમાં જન્મ પછી વધારે પ્રમાણમાં જોવા મળે છે જેમાં ખાસ કરીને ઈન્ટેલ એક્ચ્યુલ ડિસેબિલિટી કે જેને આપણે બૌદ્ધિક અક્ષમતા કહીએ છીએ. કમ્યુનિકેશન ડિસઓર્ડર જે વાતચીત કરવામાં અક્ષમ વિકૃતિમાં એનો સમાવેશ થાય છે. ઓટીઝમ સ્પેક્ટ્રમ ડીસઓર્ડર જેને આપણે સ્વલીનતાની વિકૃતિ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ અટેન્શન ડેફીશીયેટ હાયપર એક્ટિવ ડીસ ઓર્ડર જેને ધ્યાનમાં ખામી અનેચંચળતા એવું પણ આપણે કહીએ છીએ. પછી સ્પેસિફિક લર્નિંગ ડિસઓર્ડર જેમાં ખાસ કરીને વાત કરીએ તો ડિસ્લેક્સિયા, ડીસગ્રાફિયા, ડીસકેલ્ક્યુલા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલાક ડેવલોપમેન્ટલ કોર્ડિનેશન ડિસઓર્ડર પણ છે. જેમાં મોટર કોર્ડીનેશન ડિસઓર્ડર અંતર્ગત આવતા   વિકારો છે. જેમાં સ્ટીરિયો ટાઈપ મોમેન્ટ ડિસઓર્ડર નો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બીજા  ટિક ડિસઓર્ડરનો પણ સમાવેશ થાય છે. (વધુ માહિતી માટે  ICD અને DSM નું અદ્યતન સંસ્કરણ તપાસવું).

2. મેસ્લોનો માનવીની જરૂરિયાતોનો સિદ્ધાંત.

                                મનોવિજ્ઞાનમાં તો જુદા અભિગમો અસ્તિત્વમાં આવ્યા છે એમાં ખાસ કરીને માનવવાદી અભિગમ (Huministic Approach) જે છે એ અબ્રાહમ મેસલો, કાર્લ રોજર્સ અને એરિક ફ્રોમ લઈને આવે છે. આ માનવવાદી અભિગમ એ માનવીની અંદર રહેલી સારી બાબતો તરફ પ્રકાશ ફેકે છે કે માણસ પોતે સ્વસ્થ રહેવા માટે રચાયેલો છે. પોતે પોતાની રીતે પરિસ્થિતિમાંથી (મુશ્કેલીઓ માંથી) બહાર આવી શકે છે. તેનામાં સારપનું તત્વ રહેલું છે. રોજર્સનો દર્દી કેન્દ્રિત ઉપચાર (Client Centred Therapy) આ જ વાત પર ભાર મૂકે છે કે સલાહ પ્રક્રિયામાં કેન્દ્રમાં દર્દી છે અને પરિઘ પર સલાહકાર છે. દર્દી પોતે જ મુશ્કેલીમાંથી બહાર આવે એવું વાતાવરણ ઉભું કરવાનું કામ સલાહકારનું છે. જે માનવતાવાદી દ્રષ્ટિ બિંદુ રજૂ કરે છે. એવા પ્રકારની વિચારધારા સાથે આ માનવતા વાદી વિચારધારા જોડાયેલી છે. પ્રેરણા માટે જુદા જુદા અનેક સિદ્ધાંતો અસ્તિત્વમાં આવ્યા છે પરંતુ એમાંનો એક સિદ્ધાંત એટલે મેસલોના ચડતા શ્રેણી નો સિદ્ધાંત (માનવીની જરૂરિયાતોનો સિદ્ધાંત) જેને આપણે વિગતવાર માહિતી મેળવીએ.

  1) શારીરિક જરૂરિયાતો : 

                                 શારીરિક જરૂરિયાતોમાં વ્યક્તિના જીવન જીવવા માટેની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે ભૂખ, તરસ, ઊંઘ આરામ અને જાતિયતાનો સમાવેશ થાય છે. જ્યાં સુધી આ જરૂરિયાતોનો સંતોષ વ્યક્તિને થતો નથી ત્યાં સુધી વ્યક્તિ અન્ય ઉચ્ચ જરૂરીયાતો પ્રત્યે આગળ વધતો નથી.

 2) સલામતીની જરૂરિયાતો : 

                               પ્રાથમિક જરૂરિયાતો સંતોષાયા બાદ વ્યક્તિ સલામતી, આત્મરક્ષણ અથવા ભયથી મુક્ત થવાનો વિચાર કરે છે. જેમાં ભવિષ્યની આકસ્મિક પરિસ્થિતિ માટે નાણા નો સંચય કરવો, જૂથ સમૂહ બનાવવા અને એ જૂથમાં ટકી રહેવું જેવી પ્રવૃત્તિઓ એમાં જોવા મળે છે. 

 3) આત્મીયતાની જરૂરિયાતો :

                                સલામતીની જરૂરિયાત સંતોષાયા બાદ વ્યક્તિ પ્રેમ મેળવવા અને પ્રેમ કરવાનો એટલે આત્મીયતાની જરૂરિયાતોનો સંતોષ કેળવવા પ્રયાસ કરે છે. આ જરૂરિયાતમાં વ્યક્તિ વિભિન્ન પ્રકારના સંબંધો જેવા કે પત્ની, ભાઈ, બહેન, મિત્ર, પ્રેમી-પ્રેમિકા વગેરે સ્થાપિત કરે છે. 

 4) આત્મ ગૌરવની જરૂરિયાતો : 

                                    આત્મીયતાની જરૂરિયાત સંતોષાયા બાદ વ્યક્તિ સમાજમાં પોતાનું ગૌરવપૂર્ણ સ્થાન મેળવવા માટે આત્મસન્માનની જરૂરિયાત અનુભવે છે. તો વ્યક્તિ પોતાની સિદ્ધિ કે પ્રતિષ્ઠાનું સંતોષ કેળવી આત્મ-ગૌરવ ની જરૂરિયાતને પરિપૂર્ણ કરે છે. જેમ કે અભિનય, રમતગમત, શિક્ષણ અને વ્યાપાર જેવા વિવિધ ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી પોતાની આગવી ઓળખ ઉભી કરે છે. 

 5) સ્વ આવિષ્કારણની જરૂરિયાતો :

                                       આત્મ ગૌરવની જરૂરિયાત પરિપૂર્ણ થતાં વ્યક્તિ સ્વ આવિષ્કાર તરફ આગળ વધે છે. આ જરૂરિયાત વ્યક્તિની અંતિમ જરૂરિયાત ગણાય છે. આ જરૂરિયાતમાં વ્યક્તિ પોતાની આંતરિક શક્તિઓથી વાકેફ થાય છે અને પરમ આંતરીક સંતોષનો અનુભવ કરે છે. આ આવિષ્કારમાં વ્યક્તિ સ્વ એટલે કે પોતાના આત્મા સાથે સાક્ષાત્કાર કરે છે અને ભૌતિક સુખોથી અલિપ્ત રહે છે.