વ્યક્તિત્વ ની વ્યાખ્યા જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જુદી જુદી રીતે આપી છે. પરંતુ જી. ડબ્લ્યુ ઓલપોર્ટે સર્વ સામાન્ય વ્યાખ્યા આપેલી છે કે ' દરેક વ્યક્તિ પોતાની પરિસ્થિતિ સાથે આગવી રીતે સમાયોજન સાધી શકે તેવા મનોશારીરિક તંત્રનું ગતિશીલ સંગઠન એટલે વ્યક્તિત્વ.'
વ્યક્તિત્વ માપનની કસોટીમાં પ્રક્ષેપણ કસોટી(Projection test) ઘણી જાણીતી થયેલી છે. એમાંની સૌથી જાણીતી થયેલી પ્રક્ષેપણ કસોટી રોરશાર્કની શાહીના ડાઘા ની કસોટી એના વિશે આજે આપણે માહિતી મેળવીએ. સર્વ પ્રથમ બીનેટે 1895 માં પ્રક્ષેપણ પદ્ધતિ માટે શાહીના ડાઘા નો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું. હાવર્ડ યુનિવર્સિટીમાં ડિયર બોર્નએ(Dear born) 1897 માં સૌપ્રથમ શાહીના ડાઘા વાળી કસોટી નો ઉપયોગ કર્યો હતો. આમ મનોવિજ્ઞાનમાં પ્રક્ષેપણ પદ્ધતિનો ઉપયોગ એ ખૂબ જ લાંબો ઇતિહાસ ધરાવે છે.
ત્યારબાદ સ્વીસ મનોવૈજ્ઞાનિક હર્મન રોરશાર્ક એ શાહીના ડાઘા વાળી કસોટીનો વિકાસ કર્યો. તે એક ચિત્ર શિક્ષકના પુત્ર હતા. આ કસોટીમાં કુલ 10 કાર્ડનો સંગ્રહ છે. દરેક કાર્ડ પર શાહીના ડાઘા છે. તેમાંથી પાંચ કાર્ડ શ્વેત-શ્યામ અને પાંચ રંગીન શાહી વાળા ડાઘા છે. કાર્ડ પર શાહીના ડાઘા એ રીતે પડેલા છે કે જેમાંથી ચોક્કસ આકારવાળી આકૃતિઓ ઉપસી આવે છે.આ આકૃતિઓનું કોઈ ચોક્કસ રીતે અર્થઘટન થઈ શકતું નથી.
આ કસોટીનું સંચાલન ચોક્કસ ક્રમમાં કરવામાં આવે છે. એમાં સૌપ્રથમ નિયત ક્રમમાં એક સમયે એક જ કાર્ડ વ્યક્તિ સમક્ષ રજૂ કરવામાં આવે છે. જ્યારે અભ્યાસપાત્રને કાર્ડ આપવામાં આવે છે ત્યારે અભ્યાસક તેને જરૂરી સૂચનાઓ આપીને કાર્ડના ચિત્રનું અર્થઘટન કરવાનું કહે છે. અભ્યાસપાત્રને કાર્ડમાં શું દેખાય છે? કઈ આકૃતિ દેખાય છે? આકૃતિ શાની છે ? વગેરે બાબતો જણાવવાનું કહેવામાં આવે છે.
ત્યારબાદ અભ્યાસપાત્રને વિચારવા માટે પૂરતો સમય ફાળવવામાં આવે છે. તે ઈચ્છે ત્યાં સુધી કાર્ડમાંની આકૃતિનું નિરીક્ષણ કરી શકે છે. અભ્યાસપાત્રને કાર્ડ ગમે તે ખૂણેથી જોવાની છૂટ આપવામાં આવે છે. તે કાર્ડને આડુ અવળું કરીને કે ત્રાસુ કરીને એમ ગમે તે રીતે જોઈ શકે છે. એક કાર્ડના આધારે અભ્યાસપાત્રને ગમે તેટલા અર્થઘટન કરવાની છૂટ હોય છે. ત્યારબાદ અભ્યાસક કેટલીક મહત્વની બાબતો ધ્યાનમાં રાખે છે. એમાં ખાસ કરીને પ્રતિચારોની સંખ્યા, દરેક પ્રતિચાર આપવા માટે અભ્યાસ પાત્ર એ લીધેલો સમય, પ્રતિચાર આપતી વખતે કાર્ડની પરિસ્થિતિ, વ્યક્તિના સાંવેગિક પ્રતિભાવો, વ્યક્તિના અન્ય આકસ્મિક વ્યવહારો વગેરેની નોંધ લેવામાં આવે છે. ત્યારબાદ દરેક કાર્ડની રજૂઆત અને અર્થઘટન થઈ ગયા પછી કસોટીના બીજા સ્તરમાં વ્યક્તિને પૂછવામાં આવે છે કે તેને આપેલા પ્રતિચાર અંગે વધારાનું કોઈ કહેવાનું છે કે નહી જો વ્યક્તિ હા કહે તો તેની નોંધ લેવામાં આવે છે. ત્યારબાદ કસોટી નું ગુણાંકન અને માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે. જેમાં એ પ્રતિક્રિયા શેના આધારે આપે છે. આખું કાર્ડ જોઈને આપે છે અથવા કાર્ડમાંના અમુક ચોક્કસ ભાગ જોઈને આપે છે, તો એ પ્રમાણે એના પ્રતિચારોની નોંધ કરવાની હોય છે.
ત્યારબાદ વિષયવસ્તુ જે છે એનો પણ એમાં ઉલ્લેખ કરવામાં આવે છે જો વ્યક્તિ શાહીના ડાઘા માં કોઈ માનવ આકૃતિ જોએ તો એની નોંધ કરવામાં આવે છે અથવા માનવ આકૃતિનું વર્ણન કરે તો એની પણ નોંધ કરવામાં આવે છે અથવા કોઈ પ્રાણીનું વર્ણન કરે તો એની પણ અંદર નોંધ કરવામાં આવે છે.
આ ઉપરાંત નદી, તળાવ, પર્વતો, ખેતર, વૃક્ષો વગેરેનું વર્ણન કરે તેને ચોક્કસ સંજ્ઞા આપવામાં આવે છે અથવા કોઈ વસ્તુ જોવે તો એની પણ ચોક્કસ સંજ્ઞાનઓ આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ એનું અર્થઘટન કરવામાં આવતું હોય છે અને એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવે છે.જે ક્લિનિકલ સાયકોલોજીમાં નિદાન માટે ઉપયોગ કરી શકાય છે.
![]() |