મનોવિજ્ઞાનનો અર્થ અને સંકલ્પના
(Meaning and Concept of Psycholog
મનોવિજ્ઞાનને અંગ્રેજીમાં સાયકોલોજી (Psychology) કહેવામાં આવે છે. આ શબ્દ સાયકો (Psycho) અને લોગોસ (Logos) નો બનેલો છે. સાયકો એટલે આત્મા અને લોગો' એટલે શાસ્ત્ર. આમ પહેલાંના વખતમાંમનોવિજ્ઞાન એટલે આત્માનું વિજ્ઞાન એવો અર્થ કરવામાં આવતો હતો. પહેલાંના તત્ત્વચિંતકો આત્માના સ્વરૂપને ચિંતન દ્વારા જાણવાનો પ્રયાસ કરતા. પરંતુ સમયના પ્રવાહ સાથે માનવજીવનના પ્રવાહો અને દષ્ટિકોણો બદલાતાં મનોવિજ્ઞાનના તાત્ત્વિક અર્થમાં પણ પરિવર્તનો થયાં. મનોવિજ્ઞાનની પરિભાષામાં કાળક્રમે થયેલાં પરિવર્તનો કેવી રીતે થયાં તે જોઈશું.
[1] મનોવિજ્ઞાન આત્માનું
વિજ્ઞાન છે : પ્રાચીન સર્મયમાં મનોવિજ્ઞાનને ધ્વનિશાસ્ત્રની એક શાખા તરીકે માનવામાં
આવતું. મનોવિજ્ઞાનમાં મન અને માનસિક પ્રક્રિયાઓનું અધ્યયન કરવાનું હોવાથી તે
ધ્વનિશાસ્ત્રનું અવિચ્છિન્ન અંગ મનાતું. ઇ.સ. ની સોળમી સદી સુધી મનોવિજ્ઞાન એ
આત્માના વિજ્ઞાન (science
of soul) તરીકે ઓળખાતું. આત્માના સ્વરૂપ અને અર્થ વિશે
વિદ્વાનોમાં અનેક મતભેદો પ્રવર્તે છે. આત્માની પરિભાષા નિશ્ચિત નથી. આથી
મનોવિજ્ઞાનની પરિભાષામાં પરિવર્તન આવ્યું.
[2] મનોવિજ્ઞાન મનનું વિજ્ઞાન છે : આત્માની ચોક્કસ પરિભાષા નિશ્ચિત ન થઇ
શકતાં, મનોવિજ્ઞાનીઓએ
માનવ મનને મહત્ત્વ આપ્યું. માનવ મન તેનાં વર્તનનું પ્રેરકબળ છે, તેમ મનોવિજ્ઞાનીઓ માનવા લાગ્યા. માનવ મનનો અભ્યાસ કરી શકાય છે, તેવું મનાવા લાગ્યું. પરંતુ મનોવિજ્ઞાનીઓ મનના સ્વરૂપ, માનસિક પ્રવૃત્તિઓ અને માનસિક પ્રક્રિયાઓ વિશે ચોકસાઇપૂર્વક કશું નિર્ધારિત
કરી શક્યા નહીં. આથી મનના જટિલ સ્વરૂપ અને માનસિક પ્રવૃત્તિઓ અને માનસિક ક્રિયાઓની
સંકુલતાને લીધે તેને મનનું વિજ્ઞાન માનવું એ ઉચિત ગણાયું નહિ.
[3] મનોવિજ્ઞાન ચેતનાનું વિજ્ઞાન છે : ઓગણીસમી સદીના મનોવિજ્ઞાનીઓના મંતવ્ય અનુસાર, મનોવિજ્ઞાન મનુષ્યની ચેતન
ક્રિયાઓનું અધ્યયન કરે છે. તેઓ એમ માનતા કે, ચેતના માનવ
વર્તનનું પ્રેરક પરિબળ છે. પરંતુ, ચેતનાની પરિભાષા પણ
નિશ્ચિત થઈ શકી નથી. વિદ્વાનોના મત અનુસાર, ચેતન મન, અચેતન મન અને અર્ધચેતન મન પણ હોય છે, જે
મનુષ્યના વર્તન પર અસર કરે છે. આથી ચેતનાનો અર્થ દ્વિધામાં પરિણમતાં મનોવિજ્ઞાનની
આ પરિભાષા પણ સર્વમાન્ય થઇ શકી નહીં.
[4] મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે : વીસમી સદીમાં મનોવિજ્ઞાનની તલસ્પર્શી વિચારણા અને
અધ્યયનને પરિણામે મનોવિજ્ઞાનની પરિભાષાને એક નૂતન પરિમાણ પ્રાપ્ત થયું. મનોવિજ્ઞાનના
અભ્યાસીઓ મનોવિજ્ઞાનને વર્તનનું વિજ્ઞાન માનવા લાગ્યા. મનોવિજ્ઞાન મનુષ્યના
વ્યવહારનું, તેનાં વા
વર્તનનું અધ્યયન કરે છે, તેવું આધુનિક મનોવિજ્ઞાનીઓ
માને છે. તેથી મનોવિજ્ઞાનને એ વર્તનનું શાસ્ત્ર (Science
of behaviour) કહેવામાં આવે છે. મનોવિજ્ઞાનની પ્રસ્તુત પરિભાષા
સામાન્યતઃ સૌ શિક્ષણશાસ્ત્રીઓ અને મનોવિજ્ઞાનીઓમાં હવે સર્વસ્વીકૃત બનવા લાગી છે.
• પ્રાચીન સમયથી આધુનિક સમય સુધીની મનોવિજ્ઞાનની વિકાસયાત્રામાં વિવિધ
પરિવર્તનો આવ્યાં છે. મનોવિજ્ઞાની વુડ્ઝવર્થે મનોવિજ્ઞાનનું ચિત્ર અંકિત કરતાં
લખ્યું છે,
•
"First psychology lost its soul, then it
lost its mind, then it lost its consciousness, and still it has behaviour of
sort". - Woodsworth
આમ, મનોવિજ્ઞાને
પ્રથમ આત્મા ગુમાવ્યો, ત્યારબાદ મન અને ચેતના લુપ્ત
થયાં અને છેલ્લે હવે વર્તન બાકી રહ્યું છે. મનોવિજ્ઞાન વિશે વિવિધ ચિંતકોએ પોતાની
પરિભાષા અને વ્યાખ્યાઓ પ્રયોજી છે.
•
મનોવિજ્ઞાન માનવવર્તન અને અનુભવનું વિજ્ઞાન છે.
Psychology
is the science of behaviour and experience - Skinner
• મનોવિજ્ઞાન માનવ-વ્યવહાર અને માનવ સંબંધોનું અધ્યયન છે. Psychology is the study of human behaviour and human relationships. -
Crow and Crow
•
મનોવિજ્ઞાનનો સંબંધ પ્રત્યક્ષ માનવ વર્તન સાથે છે.
*Psychology
is concerned with observable human behaviour.
- Garrison and others
•
મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં વ્યક્તિની પ્રવૃત્તિઓનો
વૈજ્ઞાનિક અભ્યાસ છે.
*
Psychology is the scientific study of the activities of individual in relation
to the environment.' - Woodsworth
•
મનોવિજ્ઞાન એ એવું શુદ્ધ વિજ્ઞાન છે કે જે માનવ અને પશુના એવા
વર્તનનો અભ્યાસ કરે છે કે જે વર્તન તેમના આંતરિક મનોભાવો તથા વિચારોની અભિવ્યક્તિ
કરે છે, જેને આપણે માનસિક જગત કહીએ છીએ.
'Psychology
is such is a pure science which studies the behaviour of men and animals, so
far that behaviour is regarded as an expression of their inner life of thought
and feeling which are called mental life.' - James Drever
ઉપર્યુક્ત વ્યાખ્યાઓને આધારે આપણે મનોવિજ્ઞાનનાં લક્ષણો નીચે મુજબ તારવી
શકીએ.
• મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે.
• તે વર્તનનું વિજ્ઞાન છે.
• તે પ્રાણી અને મનુષ્યના વર્તનનું વિજ્ઞાન છે.
• તે વાતાવરણના સંદર્ભમાં થતી વ્યક્તિની પ્રવૃત્તિઓનો
વૈજ્ઞાનિક અભ્યાસ છે.
• તે વર્તનનું વૈજ્ઞાનિક સંશોધન છે.
• તે વર્તનનું ગુણાત્મક વિજ્ઞાન છે.
મિત્રો, આપણે જે લક્ષણો તારવ્યા તેમાં સતત પુનરાવર્તન પામતો શબ્દ જો કોઈ હોય તો તે
છે વર્તન. એટલે મનોવિજ્ઞાનની સંકલ્પનાની સંપૂર્ણ સમજણ કેળવવા માટે આપણે વર્તનને પણ
વ્યાખ્યાયિત કરવું, સમજવું જોઈએ.
• વર્તનનો અર્થ : (Meaning of Behaviour)
જ્યારે આપણે મનોવિજ્ઞાન એટલે વર્તનનું વિજ્ઞાન એવું કહીએ છીએ ત્યારે
વર્તનનો સંકુચિત કે સીમિત અર્થ કરવાને બદલે વ્યાપક અર્થ કરવો જોઈએ. વર્તનનો વ્યાપક
અર્થ સ્પષ્ટ કરવા નીચેની બાબતો ધ્યાને લેવી જોઈએ.
વૂડવર્થ (1945) અનુસાર, જીવનની કોઈ પણ અભિવ્યક્તિ એક ક્રિયા
છે. આવી તમામ ક્રિયાઓને અંતતઃ વર્તન સ્વરૂપે જોઈ શકાય. એટલે વર્તન શબ્દ માત્ર
ચાલવું, કૂદવું, દોડવું, તરવું વગેરે જેવી ક્રિયાત્મક ચેષ્ટાઓનું પ્રતિનિધિત્વ નથી કરતો. બલકે, જાણવું, યાદ રાખવું, વિચારવું જેવી જ્ઞાનાત્મક અને હર્ષ, શોક, ડર, પ્રેમ, ચિંતા
જેવી ભાવનાત્મક બાબતોનું પણ પ્રતિનિધિત્વ કરે છે. આમ, વર્તનમાં
ક્રિયાત્મક, જ્ઞાનાત્મક અને ભાવાત્મક એમ ત્રણ પ્રકારની
ક્રિયાઓનો સમાવેશ થાય છે.
મનુષ્યના વ્યવહારો માત્ર ચેતન દ્વારા જ થાય છે એવું નથી. મનુષ્યના વર્તનો
નીપજાવનાર કારક તરીકે અર્ધચેતન અને અચેતન પણ જવાબદાર છે. અર્થાત, વર્તન શબ્દનું ક્ષેત્ર આપણે
અનુભવી શકીએ તેવા ચેતન પૂરતું સીમિત નથી. આંતરિક અનુભવો અને માનસિક પ્રક્રિયા જે
અપ્રત્યક્ષ અને આંતરિક છે તેનો સમાવેશ પણ વર્તનમાં થાય છે.
મહાન મનોવૈજ્ઞાનિક સ્કીનર મુજબ, વર્તનો બે પ્રકારના હોય છે. એક
આણેલાં વર્તનો અને બે આપન્ન વર્તનો. આણેલાં વર્તનોમાં એવા વર્તનોનો સમાવેશ થાય છે
કે જે અજાગૃત કે અનૈચ્છિક હોય અને જેના પર આપણું નિયંત્રણ ન હોય. જેમ કે, લાળ ઝરવી, હૃદયના ધબકારા વધવા, કોઈ ગરમ પદાર્થને અડી જતાં તરત જ હાથ પાછો ખેંચવો વગેરે. જ્યારે આપન્ન
વર્તનોમાં ઐચ્છિક વર્તનોનો સમાવેશ થાય છે કે જેના પર આપણું નિયંત્રણ હોય. જેમ કે, રમવું, ચાલવું, કસરત
કરવી, પત્ર લખવો વગેરે.
મનોવિજ્ઞાનમાં સમગ્ર જીવસૃષ્ટિના જીવોનો અભ્યાસ થાય છે. આથી વર્તન શબ્દનું
પ્રયોજન માત્ર માનવ વર્તન માટે નહીં કરતા પશુ-પંખી અને વનસ્પતિના વર્તનો માટે પણ
કરવામાં આવે છે. માનવોમાં પણ તમામ પ્રકારના માનવો (સામાન્ય, અસામાન્ય, બાળકો, યુવાનો, વૃદ્ધો)ના
વર્તનનો અભ્યાસ અહીં નિહિત છે.
આમ, વર્તન શબ્દ ખૂબ
વ્યાપક અર્થમાં સ્વીકારવામાં આવ્યો છે. જેમાં તમામ જીવોની તમામ પ્રકારની
પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
•મનોવિજ્ઞાનનું સ્વરૂપ : (Nature of Psychology)
મનોવિજ્ઞાનના ખ્યાલનો વિકાસ થતા થતા તેને વર્તનનું વિજ્ઞાન સ્વીકારી
લેવામાં આવ્યું છે. એટલે આમ જોઈએ તો મનોવિજ્ઞાનનું સ્વરૂપ વિજ્ઞાનમય છે. એટલે
મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે માન્યતા કયા કારણો/આધા૨ોથી મળી તે જોઈએ તો આપો-આપ તેના
સ્વરૂપ વિશે ખ્યાલ આવી જશે.
મનોવિજ્ઞાનમાં અભ્યાસની રીત વિજ્ઞાનમાં અભ્યાસની રીત જેવી જ હોય છે, એટલે કે ક્રમિક અને આયોજનબદ્ધ.
મનોવિજ્ઞાનમાં વર્તનલક્ષી તથ્યો જાણવામાં આવે છે, જ્યારે વિજ્ઞાનમાં પણ સત્યની
શોધ હોય છે.
વિજ્ઞાનમાં સિદ્ધાંતોની રચના થાય છે તેમ મનોવિજ્ઞાનમાં પણ સિદ્ધાંતોની રચના
અને આલોચના થાય છે.
મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓમાં અવલોકન, નિરીક્ષણ, પરીક્ષણ અને પ્રયોગનો સમાવેશ થાય છે.
વિજ્ઞાનમાં સૈદ્ધાંતિક અને પ્રાયોગિક એમ બે પ્રકારે જ્ઞાન હોય છે તથા તેના
જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ થતો હોય છે. તેવી જ રીતે મનોવિજ્ઞાનમાં પણ સૈદ્ધાંતિક
અને પ્રાયોગિક જ્ઞાન હોય છે અને તેનો પણ વ્યવહારમાં વિનિયોગ થતો હોય છે.
