2. મેસ્લોનો માનવીની જરૂરિયાતોનો સિદ્ધાંત.

                                મનોવિજ્ઞાનમાં તો જુદા અભિગમો અસ્તિત્વમાં આવ્યા છે એમાં ખાસ કરીને માનવવાદી અભિગમ (Huministic Approach) જે છે એ અબ્રાહમ મેસલો, કાર્લ રોજર્સ અને એરિક ફ્રોમ લઈને આવે છે. આ માનવવાદી અભિગમ એ માનવીની અંદર રહેલી સારી બાબતો તરફ પ્રકાશ ફેકે છે કે માણસ પોતે સ્વસ્થ રહેવા માટે રચાયેલો છે. પોતે પોતાની રીતે પરિસ્થિતિમાંથી (મુશ્કેલીઓ માંથી) બહાર આવી શકે છે. તેનામાં સારપનું તત્વ રહેલું છે. રોજર્સનો દર્દી કેન્દ્રિત ઉપચાર (Client Centred Therapy) આ જ વાત પર ભાર મૂકે છે કે સલાહ પ્રક્રિયામાં કેન્દ્રમાં દર્દી છે અને પરિઘ પર સલાહકાર છે. દર્દી પોતે જ મુશ્કેલીમાંથી બહાર આવે એવું વાતાવરણ ઉભું કરવાનું કામ સલાહકારનું છે. જે માનવતાવાદી દ્રષ્ટિ બિંદુ રજૂ કરે છે. એવા પ્રકારની વિચારધારા સાથે આ માનવતા વાદી વિચારધારા જોડાયેલી છે. પ્રેરણા માટે જુદા જુદા અનેક સિદ્ધાંતો અસ્તિત્વમાં આવ્યા છે પરંતુ એમાંનો એક સિદ્ધાંત એટલે મેસલોના ચડતા શ્રેણી નો સિદ્ધાંત (માનવીની જરૂરિયાતોનો સિદ્ધાંત) જેને આપણે વિગતવાર માહિતી મેળવીએ.

  1) શારીરિક જરૂરિયાતો : 

                                 શારીરિક જરૂરિયાતોમાં વ્યક્તિના જીવન જીવવા માટેની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે ભૂખ, તરસ, ઊંઘ આરામ અને જાતિયતાનો સમાવેશ થાય છે. જ્યાં સુધી આ જરૂરિયાતોનો સંતોષ વ્યક્તિને થતો નથી ત્યાં સુધી વ્યક્તિ અન્ય ઉચ્ચ જરૂરીયાતો પ્રત્યે આગળ વધતો નથી.

 2) સલામતીની જરૂરિયાતો : 

                               પ્રાથમિક જરૂરિયાતો સંતોષાયા બાદ વ્યક્તિ સલામતી, આત્મરક્ષણ અથવા ભયથી મુક્ત થવાનો વિચાર કરે છે. જેમાં ભવિષ્યની આકસ્મિક પરિસ્થિતિ માટે નાણા નો સંચય કરવો, જૂથ સમૂહ બનાવવા અને એ જૂથમાં ટકી રહેવું જેવી પ્રવૃત્તિઓ એમાં જોવા મળે છે. 

 3) આત્મીયતાની જરૂરિયાતો :

                                સલામતીની જરૂરિયાત સંતોષાયા બાદ વ્યક્તિ પ્રેમ મેળવવા અને પ્રેમ કરવાનો એટલે આત્મીયતાની જરૂરિયાતોનો સંતોષ કેળવવા પ્રયાસ કરે છે. આ જરૂરિયાતમાં વ્યક્તિ વિભિન્ન પ્રકારના સંબંધો જેવા કે પત્ની, ભાઈ, બહેન, મિત્ર, પ્રેમી-પ્રેમિકા વગેરે સ્થાપિત કરે છે. 

 4) આત્મ ગૌરવની જરૂરિયાતો : 

                                    આત્મીયતાની જરૂરિયાત સંતોષાયા બાદ વ્યક્તિ સમાજમાં પોતાનું ગૌરવપૂર્ણ સ્થાન મેળવવા માટે આત્મસન્માનની જરૂરિયાત અનુભવે છે. તો વ્યક્તિ પોતાની સિદ્ધિ કે પ્રતિષ્ઠાનું સંતોષ કેળવી આત્મ-ગૌરવ ની જરૂરિયાતને પરિપૂર્ણ કરે છે. જેમ કે અભિનય, રમતગમત, શિક્ષણ અને વ્યાપાર જેવા વિવિધ ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી પોતાની આગવી ઓળખ ઉભી કરે છે. 

 5) સ્વ આવિષ્કારણની જરૂરિયાતો :

                                       આત્મ ગૌરવની જરૂરિયાત પરિપૂર્ણ થતાં વ્યક્તિ સ્વ આવિષ્કાર તરફ આગળ વધે છે. આ જરૂરિયાત વ્યક્તિની અંતિમ જરૂરિયાત ગણાય છે. આ જરૂરિયાતમાં વ્યક્તિ પોતાની આંતરિક શક્તિઓથી વાકેફ થાય છે અને પરમ આંતરીક સંતોષનો અનુભવ કરે છે. આ આવિષ્કારમાં વ્યક્તિ સ્વ એટલે કે પોતાના આત્મા સાથે સાક્ષાત્કાર કરે છે અને ભૌતિક સુખોથી અલિપ્ત રહે છે.